ગુરુવાર, 10 એપ્રિલ, 2014

હિસાબો થાય છે....!!!

આખરી   શ્વાસે    તકાજો   થાય    છે,
પાપપુણ્યોના    હિસાબો    થાય   છે.
         
જેટલા     આપું     જવાબો     જાતને,
એટલાં   સામે   સવાલો    થાય    છે.
                                                
ના થઈ  શકયા  જે  ખુલ્લી  આંખથી,
બંધ   આંખોથી   પ્રવાસો   થાય   છે.

શું છે ? આ જીવનમરણ, એ જાણવા,
રોજ   સ્વપ્ને   રાતવાસો   થાય   છે.

જીવ    માફક    સાચવું    એને   છતાં,
જીવ ! મરણ આવ્યે પરાયો થાય છે.

સૌ  વિચારો  જેમનાં પણ  હો  બુલંદ,
એમની   વાતે    રિવાજો   થાય   છે.
                                                   
-અશોક વાવડીયા "રોચક"

શુક્રવાર, 4 એપ્રિલ, 2014

લલચાઇ ગ્યા...!!!


મત્લા ને મક્તા જોઇને  ગભરાઇ  ગ્યા,
છંદોના બંધારણમાં પણ અટવાઇ ગ્યા,

ફૂલોને,  કેવા  સ્પર્શ  લાગ્યા  હાથોના.!
કે, બાજુમાં  કાંટા  ઉભા  શરમાઇ  ગ્યા.

એવી  વિરહની   વેદના  ચાલે   સખી,
ચહેરા ગુલાબી ગોટા સમ કરમાઇ ગ્યા.

સ્વપ્ને  ફરી   છે  યાદ  એવી  એમની,
એ સામે આવ્યા સમજીને હરખાઇ ગ્યા.

મળશે   સુરક્ષા, જો   મને   ચૂંટો  ફરી;
આવી જ વાતોથી અમે લલચાઇ ગ્યા.

-અશોક વાવડીયા "રોચક"

ગુરુવાર, 27 ફેબ્રુઆરી, 2014

એક જણ ખાસ લાગે છે...!!

ઝૂકે જો જણ દાસ નો  એ  દાસ  લાગે  છે,
ભ્રષ્ટ  આચારી  ગળાની  ફાંસ   લાગે   છે.

આમ તો સઘળા ય મારી  પાસ   લાગે છે,
એ બધાની વચ્ચે એક જણ ખાસ લાગે છે.

વેદના  એના   વિરહની   એટલી   ચાલી,
ભોગ છપ્પન  છે, છતાંયે  ઘાસ  લાગે  છે.

જે વસાવ્યા હોય દિલમાં,આગમન  એનું;
જાણે, વનરાવનમાં જામ્યો રાસ લાગે  છે.

પાનખરને   આંતરી   બેઠો   વસંતોત્સવ,
પ્રેમની  મૌસમ  તો  બારેમાસ  લાગે  છે.

-અશોક વાવડીયા "રોચક"

મંગળવાર, 4 ફેબ્રુઆરી, 2014

ગઝલ ક્યાં છે....!!!

ચરણ ક્યાં છે,સફર ક્યાં છે,મજલ ક્યાં છે,
મને, મારા  જ   હોવાની  ખબર  ક્યાં  છે.

સમય  આવ્યે પરત  ફરવું  જ પડશે,લ્યો-
તપાસી એ  લઉં,  મારી   કબર   ક્યાં  છે.

કહો તો ! છંદ ક્યો છે ? કાફિયા  ક્યા  છે ?
મને  લાગે  ગતકડું, આ ગઝલ  ક્યાં  છે.

નથી પ્હાડો,વનો પંખીનો  કલરવ  પણ,
અહીં ખળખળ વહેતા એ ઝરણ  ક્યાં  છે ?

તરસ્યાને  ઉદક   ભૂખ્યાને  ભોજન,  જો-
કરો  તો  કામ  સેવાનું,  ફરજ   ક્યાં   છે.

દુ:ખોની  સાથમાં   થોડી   સુખી   ક્ષણો,
જો દેવી હોય, તો  દેજે,  ગરજ  ક્યાં  છે.

-અશોક વાવડીયા "રોચક"

અજરોઅમર...!!!

જીવન અવધ તું પણ નથી, હું પણ નથી,
ઇશ્વર ઉપર તું  પણ  નથી, હું  પણ  નથી.

જાવું   જ   પડશે    એક'દિ    છોડી  ધરા,
અજરોઅમર તું પણ નથી, હું  પણ નથી.

સળગી   રહ્યું   છે   ભીતરે   કાયમ,  છતાં,
ઉઠતી અગન તું પણ નથી, હું પણ  નથી.

કલ્યાણ   સૌનું   ધ્યેયને    વળગી   શકે,
એવું ઝરણ તું પણ  નથી,  હું  પણ  નથી.

વનવાસ   સ્વીકાર્યો   અયોધ્યામાં   રહી,
એવો ભરત તું પણ  નથી, હું  પણ  નથી.

-અશોક વાવડીયા "રોચક"

મળશે નહીં ગોટાળો...!!!

કોઈ કે'શે કાન, કોઈ કાનજી રૂપાળો,
જા, અમે કે'શું યશોદાનો કનૈયો કાળો.

વાણીને મનની સરસ એક ચાળણીએ ચાળો,
આ જ રીતે જીભને સીધી સડક પર વાળો.

પાપપુણ્યોનો તું આજે મેળવી લે તાળો,
આખરી શ્વાસે પછી મળશે નહીં ગોટાળો.

લાગણીઓને અકળ ઊંડાણમાંથી કાઢી,
નિત્ય,વારંવાર, દિલના ઝીણા ગરણે ગાળો.

શબ્દ નાનકડો ભલેને ! હોય કામણગારો,
વેણ કડવા બોલવા ટાળી શકો તો ટાળો.

શેરના દ્વારો ઉઘાડીને ગઝલ સમજાવો,
શાને "રોચક" આમ ખોટા જીવ સૌના બાળો.

-અશોક વાવડીયા "રોચક"